કેમ લોકો ડરે છે? શું એમને ખબર નથી કે ડરવાથી કાંઈ પ્રાપ્ત નથી થાતું? શું એમને ખબર નથી કે ડર એક બીમારી છે જે અત્યાચારીને અત્યાચાર કરવા દે છે અને એને આપણો ડર પ્રોત્સાહન આપે છે. ડરીને શું ફાયદો થાય છે? કર્મો એવા કરીએ છીએ અને પછી આપણે ડરીએ છીએ કે એનું પરિણામ શું આવશે? ખાવાનું કાંઈ પણ ખાઈએ છીએ અને પછી જ્યારે માંદગી આવે છે ત્યારે ડરીએ કે સારા થશું કે નહીં. જુવાનીમાં જીવનને બરબાદ કરીએ અને પછી ઘડપણમાં ડરીએ છીએ કે શરીર સાથ આપશે કે નહીં. ડર થી કાંઈ મળતું નથી. ડરથી ખાલી મનની શાંતિ જાય છે. ડરથી ખાલી વિપરીત અવસ્થા ઊભી થાય છે. કર્મો વિચારીને કરવા અને પછી પ્રભુને સોંપી દેવા. પરિણામનું એ ધ્યાન રાખશે. પરિણામ આપણા ધાર્યા પ્રમાણે જ્યારે ન હોય તો આપણને ગમતું નથી પણ પ્રભુને સોંપ્યા પછી કાંઈ આપણા માટે ખરાબ નથી. જે પરિણામ આવે છે એ આપણા માટે સારુ જ હોય છે. એવું જરૂરી નથી કે બધું આપણા ધાર્યા પ્રમાણે થાય પણ એ સાચું છે કે જે થાય છે એ આપણને આગળ વધારવા માટે જ થાય છે. મુશ્કેલીનો સામનો તો હર કોઈને કરવો પડતો હોય છે. જે ડરે છે એ ત્યાં ને ત્યાં ખતમ થાય છે, જે આગળ વધે છે એ ત્યાંને ત્યાં જીતી જાય છે.
ડર એક અસુર છે જે આપણી અંદર ઘર બનાવી ગયો છે. એ અસુર ત્યાં સુધી નહીં નીકળે જ્યાં સુધી પરિણામોથી આપણને તકલીફ નહીં થાય અને પરિણામોથી તકલીફ ત્યારે નહીં થાય જ્યારે એ વિશ્વાસ હશે કે પ્રભુ જ કરાવે છે અને પ્રભુ જ કરે છે. વિશ્વાસ જ દિલમાંથી ડર કાઢી શકે છે. ડરના ભાઈબહેન છે શંકા અને કાયરતા. જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે શંકા ટકી શકતી નથી અને નિડરતા આપોઆપ આવે છે. એટલે એ પ્રાર્થના કે પ્રભુ મારો ડર કાઢ, એ પ્રાર્થના અધૂરી છે. એ પ્રાર્થના કે પ્રભુ તારામાં પૂર્ણ વિશ્વાસ આપજે, એ પ્રાર્થના પૂર્ણ છે. કારણ કે આપણી અંદરથી શંકા, ડર, ક્રોધ, ક્રૂરતા, દુવિઘા (confusion), વિચારોના મતભેદ, કાયરતા, અધીરાપણું, અશુદ્ધતા (impurity) ને કાઢે છે અને આપણને Clarity of thoughts and purity of actionsમાં લઈ જાય છે.
શું કરશું આ ડરનું જે ખાલી મનુષ્યને પાંગળો બનાવે છે? વિશ્વાસ જ તો છે જે કોઈ પણ અશક્ય વસ્તુને શક્ય બનાવે છે. વિશ્વાસ જ કોઈ અપંગને પાછો ચલાવે છે, વિશ્વાસ જ છે જે સર્વેને વિજય અપાવે છે. ડરને પડે છે રડવું જ્યાં વિશ્વાસ પૂરો છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.