શક્તિપાતનો દિવ્ય અનુભવ પછી લોકો ને લત લાગે છે. એક મદહોશીનો જામ મળ્યા પછીનો અનુભવ લાગે છે. શક્તિપાત એક દિવ્ય નિર્વાણની અવસ્થા છે જે પરિપૂર્ણ તરફ તમને લઈ જઈ શકે છે. પણ શક્તિપાત એક બે ધારી તલવાર છે. તમારું જીવન મુક્ત પણ કરી શકે છે અને ઇચ્છાઓ અને સિદ્ધિઓમાં ભરમાવી શકે છે. શક્તિપાતનો રસ્તો હર કોઈ માટેનો નથી. નિજભાન એ જ સર્વનું ધામ છે. શક્તિ અને ઉર્જા પાછળ ભાગવું નહીં, કોઈ ટૂંકો રસ્તો નથી હોતો. સર્વ ગુણ સંપૂર્ણ કર્યા પછી, જે તેજ મળે છે, એ અવસ્થા રહેશે અને વિકારોને ખતમ કરશે. કુંડલિનીને જાગૃત કરીને એને વશમાં કરવું એ શરીરનું ધ્યેય નથી. મનને ભૂલીને મદહોશ થવું, એ જીવનનું કાર્ય નથી. જાગૃત થઈ એનું કાર્ય કરવું એ જ જીવનનું લક્ષ્ય છે. કઈ રીતે થશે, કોણ કરશે, શું રસ્તો છે, એ એના ઉપર છોડી દેવાનું છે અને એનું નામ લેતા જવાનું છે. એક દિવસ જરૂર એવો આવશે જ્યારે એ પ્રગટ થશે અને નિજ ભાન સમજાશે. લાલચ બધું ગુમાવે છે અને તૃષ્ણા બધું ડુબાડે છે. પણ એનું સ્મરણ બધું બચાવે છે અને એનું નામ બધું સમજાવે છે. બીજું કાંઈ કરવાનું નથી હોતું, ખાલી એનું નામ જ લેવાનું હોય છે, ખાલી એને યાદ રાખવાનું હોય છે.
શક્તિ પાછળ ભાગવવાનું નથી, અને એનું સંચાલન કરવાનું નથી. શક્તિ એ કુદરતની દેન છે, એને વશમાં કરી ખોટું કરવું નહીં. જે આ કરે છે, તે ઘોર પાપ કરે છે, જે આનો બગાડ કરે છે તે સહુને છેતરે છે. શક્તિ પ્રભુ આપી શકે છે અને એ જ એનું પરિભ્રમણ કરાવી શકે છે. બીજું કોઈ જ નહીં.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.