જ્યાં નિત્ય આનંદનો આભાસ થાય, ત્યાં અંતરમાં પોતાની ઓળખાણ જાગૃત થાય છે. જ્યાં વિશ્વમાં આરામની અનુભૂતિ થાય છે, ત્યાં એકાંતમાં જીવનની ધારાનો અહેસાસ થાય છે. જ્યાં બલીદાનની વાતો થાય છે, ત્યાં એકાકારની શરૂઆત થાય છે. અંતરમાં આનંદ ગોતવાથી નથી મળતો. અંતરઆનંદ સમર્પણથી થાય છે. જ્ઞાન ઈચ્છાથી નથી મળતું. જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરવાથી આપોઆપ મળે છે. આ સૃષ્ટિ સતત વિકસિત થઈ રહી છે. જ્ઞાન પણ અસીમિત હોય છે. જ્ઞાનને કોઈ સીમા નથી હોતી. જ્ઞાન નવું નવું સંશોધન સતત કરતું હોય છે. સંશોધનનો કોઈ અંત નથી હોતો. આજે જે જ્ઞાન છે, તે આગળ એનાથી વધારે વિશાળ હોય છે. જ્ઞાન સતત વધતું હોય છે અને એની શોભા ક્યારે પણ ઘટતી નથી. જ્ઞાન અંતરની ખુશીનો પ્રકાશ છે અને અંતરની રચનાની ગાથા છે. આ સૃષ્ટિ અનંત કાળથી છે અને આ સૃષ્ટિ સતત વધે છે. એ કોઈ પળ કે સ્થળથી સીમિત નથી. એવી રીતે અંતરના આનંદની કોઈ સીમા નથી હોતી. અંતરમાં આનંદ સતત વધતો રહે છે, સતત પૂર્ણતાનો આભાસ કરાવે છે અને આદી કાળ, અનાદી કાળથી પરે લઈ જાય છે. અંતર-આનંદ ન કોઈ તુરીયા અવસ્થા છે, ન કોઈ બાળપણનો યોગ છે પણ એક જાગૃત પૂર્ણતા અને નિજ ઓળખાણમાં વિશાળતા, અનંત આભાસ છે. ભગવાન એ કોઈ સ્વરૂપ નથી, ભગવાન એ પોતાની ઓળખાણની અનુભૂતિ છે અને આનંદ એ નિરાકારનું સ્વરૂપ છે. જે પૂર્ણ છે, જે પ્રેમ છે, એક આનંદ છે. આ અવસ્થા પ્રાપ્ત નથી, એ સહજ હોય છે, એ આપોઆપ હોય છે અને આ અહંના સમર્પણથી જ થાય છે. પરમ આનંદ સમાધિથી ઉપર છે. સમાધિમાં સમતા મળે છે, પોતાની વિશાળતાનો અનુભવ થાય છે,પણ આનંદ એ જ નિજ સ્વરૂપ છે, નિરાકાર છે અને એ જ પહેલેથી છે. આનંદ પછી કાંઈ બાકી નથી રહેતું. એ પોતે જ પોતાનામાં પૂર્ણ છે, પોતે જ જ્ઞાન છે અને પોતે જ જીવનનું સહુથી મોટું રહસ્ય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.