આ ગુરુપૂર્ણીમાના દિવસે, એક જ શબ્દ લોકોને સમજવાની જરૂર છે, તે છે બલિદાન. જ્યાં અહંકાર ભૂલાય છે, જ્યાં સ્વાર્થને ત્યજાય છે, જ્યાં પ્રેમને પુકારાય છે, જ્યાં હિમ્મતને જોડાય છે અને જ્યાં નિજભાન ઓળખાય છે, એવું પ્રથમ ચરણમાં આવે છે બલિદાન. લોકો કાયમ પહેલા પોતાનું સલામતપણું (comfort zone) ગોતી લેતા હોય છે, કાયમ પહેલા પોતાનો વિચાર કરી લેતા હોય છે અને પછી મોકો મળે તો બીજાનો વિચાર કરતા હોય છે. આ વૃતિને દેવદાનવ વૃતિ કહેવામાં આવે છે. દેવો પહેલા પોતાનો વિચાર કરે અને પછી મોકો મળે ત્યારે બીજા નો વિચાર કરે. દાનવ ખાલી પોતાનો વિચાર કરે છે.
પ્રભુ મનુષ્યને એ સમજાવે છે કે મન પર જે પોતાનો કાબૂ રાખે છે, તેને કોઈ આયુષ્ય નથી હોતું પણ મન પર જે કાબૂ નથી રાખી શક્તો, તે મન ચંચલ હોય છે અને તેનું આયુષ્ય બહુ લાંબું હોય છે, એટલે કે ચંચળ મનનું આયુષ્ય બહુ લાંબું હોય છે. એટલે કે ચંચળ મનના વ્યક્તિને મનુષ્ય કહેવામાં આવ્યું છે. જ્યારે મનુષ્ય એની ચંચળતા ત્યજે છે, ત્યારે જ પોતાનો વિચાર ભૂલી શકે છે અને કાંઈ દાન કરી શકે છે. જે મનુષ્ય એનું સર્વત્ર દાનમાં આપી શકે છે, એટલે કે પોતાનું બળ પણ દાનમાં આપે છે એને બલિદાન કહેવાય છે. એ બલિદાનમાં ખાલી બીજાનો વિચાર હોય છે, પોતને શું મળશે એની એવી ભાવના નથી હોતી. આવા બલિદાનમાં ખાલી પ્રભુનું માન હોય છે, એનું સન્માન હોય છે અને વિશ્વવિજય પ્રતિષ્ઠા હોય છે. બલિદાન વ્યર્થ નથી જાતું. બલિદાનમાં પ્રેમ હોય છે, કૃપા હોય છે, અને એકતાની ભાવના હોય છે. કોઈ ઊંચનીચના ભાવ નથી હોતા, કોઈના માટે બિચારાપણું નથી હોતું.
જીવન મરણના આ ખેલમાં ધણો વિપરીત સમય આવતો હોય છે, જ્યાં ખાલી પોતાનો વિચાર આવે છે. જે પોતાના બલનું પણ દાન કરે છે, એને કોઈ સંજોગ વિપરીત નથી હોતા, એને હર પળ એક મોકો જ દેખાતો હોય છે. બલિદાનમાં જ્યારે એ ભાવ આવી ગયો કે મેં કાંઈ કર્યું, ત્યાં મધ્યમાં સ્વયંને રાખ્યું અને ખાલી અહંકાર પોષ્યો. એ તો અત્યાચાર કરે છે અને પ્રેમને લાચાર કરે છે.
ગુરુ સર્વત્ર બલિદાન કરે છે. એ સમજાશે તો કૃતજ્ઞતાના ભાવ જાગશે અને એમના આપેલા આદેશ પર ચલાશે. એ પણ ન થાય તો એમ સમજવું કે બલિદાનને આપણે સમજ્યા જ નથી. પોતાની જાતને આપણે છોડી શક્યા નથી અને ગુરુને ખાલી સફળતા અને સલામતીનું માધ્યમ આપણે માન્યું છે. એમાં આપણે આપણી જાતને લાચાર બનાવશું અને પાછા મનુષ્ય બની જઈશું, દેવદાનવની વૃતિ વચ્ચે નાચ નાચશું અને ફરી પાછા જન્મ લેવાની તૈયારી રાખશું. આવું થશે તો આપણા જેવો બીજો કોઇ મૂર્ખ નહીં, કોઈ લાચાર નહીં અને કોઈ લાલચી નહીં. ગુરૂ મળીયા છતાં પણ જો બલિદાન નહીં કરી શક્યા, તો પછી જીવનમાં બીજું શું કરશું.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.