પ્રેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે માનવને દિલ પ્રભુએ આપ્યું. હર એક પ્રાણીમાં પણ પ્રેમની ઝંખના જોવા મળતી હોય છે. પ્રેમ એક સહજ ભાવના છે જે હરેક વ્યક્તિમાં સહજ (inherent) છે. કોઈ પ્રેમ વગર આ જગમાં રહી નથી શકતો. જ્યાં પ્રેમ મળે છ ત્યાં જ માનવી દોડે છે. પ્રેમમાં જ્યાં સ્વાર્થ ભલાઈ છે, ત્યાં કાર્ય કરતા હોય એવું થાય છે. જ્યાં પ્રેમ સહજ છે, અપેક્ષા વગરનો છે, કુદરતી છે, ત્યાં એ પ્રેમમાં પ્રભુનો પ્રેમ જોવા મળે છે. પ્રભુનો પ્રેમ સતત વહેતો રહે છે, આપણે એને ઓળખી નથી સકતા. એ આપણી બદનસીબી છે. આપણે આપણા વિચારો, આપણા કાર્યો, આપણા સંબંધોમાં એટલા ખોવાયેલા છીએ કે આપણે પ્રેમ ને સમજી નથી શકતા. આપણી સગવડનો વિચાર એટલો ઘટ છે કે આપણે ખાલી સગવડને જોતા રહી ગયા છીએ અને પ્રેમને વીસરી ગયા છીએ. કોઈનો પ્રેમ મળે છે તો એમ વિચાર કરીએ છીએ કે એને મારી પાસેથી શું જોઈએ છે અને કોઈને પ્રેમ કરીએ છીએ તો તરત બીજો વિચાર એ હોય છે કે આમાં મને શું મળશે. હર વખત આપણે માપ-તોલમાં જ રહીએ છે. ખાલી મા-દીકરા/દીકરીનો સંબંધ એવો હોય છે જ્યાં મા ના પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી, ખાલી પ્રેમ હોય છે. એવો જ પ્રેમ પ્રભુનો હોય છે. કોઈ અપેક્ષા નથી હોતી, ખાલી આપ્યા રાખવાની ભાવના હોય છે. પ્રભુને ખાલી પ્રેમ કરતા આવડે છે. એને વેર કરતા આવડતું જ નથી. વેર જ્યારે લોકો કરે છે, ત્યારે પ્રભુને નવાઈ લાગે છે કે આવું કેમ. પછી હસીને વિચાર છોડી દે છે કે આ માયાના પ્રકોપથી કોઈ બચતું નથી. પ્રભુ પ્રેમ કરે છે તો એ અપેક્ષા નથી રાખતો કે એને સામે પ્રેમ મળે, બસ એજ ભાવના હોય છે કે જીવ આગળ વધે, સાચી રાહે ચાલે અને સાચી સમજણમાં રમે. એને દુઃખ, પ્રેમ નથી મળતો એનું નથી થતું પણ એનું થાય છે કે માનવી સુધરવા માંગતો જ નથી. એના પ્રયત્ન તો ચાલુ જ હોય છે. ભલે એ કહીને કરે કે મૌન બેસી ને કરે, એ કોઈથી દૂર જઈ શકતો જ નથી. ગુસ્સો કરશે, મૌન થઈ જશે પણ કોઈને તડછોડી શકતો નથી.
પ્રભુના પ્રેમને સમજવો આપણા વસની વાત નથી, એના દિવ્ય પ્રેમને અનુભવો એ આપણા મનમાં બેસતું નથી. એના જેવા બન્યા વગર એ સંભવ નથી, એના જેવા બનશું ત્યારે જ આ પ્રેમ સમજી શકશું, અનુભવ કરી શકશું અને આ પ્રેમની કદર કરી શકશું. ત્યાં સુધી આ ખાલી કાલ્પનિક વાતો લાગશે, ત્યાં સુધી આ ખાલી એક દીવાનગી લાગશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.