ગુરુ પૂર્ણિમાનો શું મતલબ છે? કેમ ગુરુને વંદન કરવા માટે આ દિવસ આપવામાં આવ્યો છે? ગુરુ મળવા જીવનમાં એક અદ્ભૈત કૃપા છે. એવા અનુભવનું પરિણામ છે કે આપણે પ્રભુને મળવા માટે લાયક થયા છીએ. હર કોઈને સાચા ગુરુ જીવનમાં મળતા નથી. હર કોઈને જીવનમાં માર્ગદર્શન કરવાવાળા કોઈ મળતા નથી, અને એવા ગુરુ જે પ્રભુનો મેળાપ, પ્રભુમાં એક કરે, કોઈ જ ભાગ્યશાળીને પ્રાપ્ત થતા હોય છે.
ગુરુ જ્યારે જીવનમાં આવે છે ત્યારે એમ કહીને નથી આવતા કે હું તારો ગુરુ છું અને તુ મારો શિષ્ય છે. ગુરુ એક હવાની જેમ જીવનમાં આવીને જીવનને મહેકાવી દે છે. ગુરુ જીવનમાં આવે છે ત્યારે આપણને પણ ખબર નથી કે જીવન ક્યાં લઈ જશે. બસ એ આવીને એને સંભાળી લે છે, આપણે એમના પોતાના બનાવે છે, આપણે એમની જેવા બનાવે છે. ગુરુ એક ગુલાબની મહેક છે જે આપણા જીવનમાં પડેલા કાંટાને દૂર કરે છે. ગુરુ એક સુગંધી વાયરો છે જે આપણને કાદવ અને કિચડમાંથી બાહર કાઢે છે. ગુરુ એક અસીમ કૃપા છે જે પ્રભુના વહેતા ઝરણાની જેમ આપણને સાથે લઈ જાય છે. ગુરુની કૃપા અગણિત છે. ગુરુની શોભા તો આપણે છીએ. એમના જેવા બનશું તો એમની શોભામાં એક સિતારો બનશું. એમની વાતોને ભૂલશું, તો એમનાથી આપણે દૂર થાશું. છતાં ગુરુ આપણને છોડતા નથી. ગુરુ વહાલથી, પ્રેમથી, ક્રોધથી, શિખામણથી, આદર્શોથી, આચરણથી, વ્યવહારથી, મૌનથી, આંખોથી અને પછી ખાલી એમના અહેસાસથી આપણા અંતરમાં બદલાવ લાવે છે.
ગુરુપૂર્ણિમાના દિવસે પરમ ગુરુ શિવએ જગતમાં પહેલી વાર ગુરુ પદવી ધારણ કરી અને નવનાથ, ભુતપિશાચ, પશુ પક્ષી, ગણો, ગણપતી, ઋષિ, સપ્તર્ષિ અને સમગ્ર જગના કલ્યાણ હેતુ સર્વના મોક્ષ માટે જવાબદારી લીધી. આ જવાબદારી એ ખૂબ નિભાવે છે અને હર વર્ષ આ દિવસે આપણે એમને યાદ કરી, એમનો આભાર માનીયે છીએ. આ દિવસે કાંઈ એમની પાસે માંગતા નથી, આ દિવસે એમને આપણે ભૂલતા નથી. એમનેજ ભૂલી જઈશું તો પછી કોને આપણે યાદ રાખશું. એમને ભૂલવું એટલે સ્વયંને ભૂલવું. એમને ત્યજવા એટલે આપણી જાતને ત્યજવી.
ગુરુના સ્થાનને સમયને માન આપી, આ દિવસને જગમાં સૌથી મોટો દિવસ માનવામાં આવ્યો છે. ગુરુ ભોલેનાથને આ દિવસે ભોલેનાથ કહેવામાં આવ્યા કારણ કે ભોલેનાથ બધા ને જાણવા છતાં, બધાની જવાબદારી સ્વીકારી. આ કૃપાને શું કહેવું, પણ એક જ નામ-ભોલેનાથ.
આ દિવસે આપણા સદ્દગુરુ, પરમગુરુને યાદ કરવા, તેમની પૂજા કરવી, તેમનો આભાર માનવો અને તેમના જેવા બનવાનો સંકલ્પ લેવો. જેના જીવનમાં ગુરુ નથી, તેણે ભોલેનાથને ગુરુ માની એમની પૂજા કરવી. સાચી પૂજા અસફળ નથી થાતી. કોઈના પણ રૂપમાં તમારી સામે ગુરુ બનીને આવે છે. હૃદયથી સાચી પ્રાર્થના જ્યારે થાય છે, ત્યારે સાચા ગુરુ જરૂર મળે છે.
ગુરુની કૃપાનું વર્ણન કરવું મુશ્કેલ છે. ગુરુની તપસ્યા સમજવી સંભવ નથી. ગુરુ કોઈ માટે થવું એ અઘરું છે અને કોઈના જીવનની જવાબદારી લેવી એ તો સ્વયં પર એક જુલ્મ છે છતાં આ બધું જાણવા પછી પણ ગુરુ આ જવાબદારી લે છે. એની કૃપા ને શું કહેવું? જગદ્દગુરુના આદેશને એ ધિક્કારતા નથી. સહુને પોતાના બનાવી, તેમને સંવારે છે, તેમને નિખારે છે, તેમને આ જગમાં હીરા બનાવે છે.
મિલનની ઘડી જ્યારે આવે છે, ત્યારે પ્રભુ મળે છે અન સદ્દગુરુ એમાં સાથ પૂરે છે. સદ્દગુરુ ક્યાંય જતા નથી, સતત સાથે ને સાથે રહે છે, સતત ધ્યાન રાખે છે, સતત પ્રેમ કરે છે, સતત આગળ વધારે છે. આપણે શું બનવું છે એ આપણા ઉપર છે, આપણે શું બની શકીએ છીએ એ તો ગુરુના હાથમાં છે. ગુરુના વંદનને આ શબ્દો બયાન નથી કરી સકતા, ગુરુના પ્રેમને અમે અનુભવ નથી કરી શકતા. ગુરુના સહારે અમે આગળ નથી વધતા, ગુરુને અમે ઓળખી નથી શકતા- આ અમારા કાળા વાદળા સદ્દગુરુ દૂર કરી શકે છે.
જય ગુરુદેવ નમઃ
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.