શરીરભાન ભુલાઈ જશે, તોયે શું મળશે? શરીરમાંથી અલગ થશું, તોએ શું મળશે? પ્રભુમાં એક થશું, તો શું આપણે ખતમ થશું? પ્રભુમાં ખોવાઈ જશું, તો શું આપણે નિરાકાર બનશું? કેટલા વિચિત્ર વિચારોથી પ્રભુને આપણે ભજીએ છીએ, કેટલા બધા ભિન્ન પ્રકારના સવાલો આપણે કરીએ છીએ. પોતાને સુરક્ષિત રાખવા આપણે દૂર ભાગીએ છીએ. શું ખબર છે આપણને કે પ્રભૂને મળવાથી શું થશે? શું ખબર છે આપણને કે પ્રભુને પામવાથી શું થાય? ક્યારે સમજ્યાં આ વાત ને, ક્યારે પૂછયું આપણા ગુરુને? કે ખાલી આપણી કલ્પના પ્રમાણે સમજ્યાં આપણે પ્રભુને? માનીએ આપણે કે ગુરુ છે ભગવાન, પણ શું સાચે એ માનીએ છીએ? તો પછી એમનું જીવન તો આપણને કેમ લાગે છે કઠોર, કેમ રહ્યાં એમને માનતા અસામાન્ય (extraordinary) માનવ જે ચમત્કાર કરી શકે છે. કેમ એમ ન સમજ્યાં કે પ્રભુને મળ્યા પછી, પ્રભુનું ભાન આપણા ભાનમાં આવે છે. પ્રભુનો સંવાદ આપણે સાથે થાય છે. કેમ એમ જ રહ્યાં - ``કાકાજી સુનીયે મેરી બાત કો’. કેમ એમ રહ્યા કે, ``પણ કાકા તમે સમજતા નથી?’’ આપણે એમને પ્રભુ માન્યા જ નથી. આપણે માન્યું કે એ એક અસામાન્ય માનવ છે જે આપણી ઇચ્છાઓ પૂરી કરી શકે છે, જે આપણને દુઃખોથી બચાવી શકે છે, જે કર્મ આપણા મિટાવી શકે છે. વિચાર કરીએ છીએ કે પ્રભુ સામે આવશે તો આપણે આમ વર્તન કરશું, એનામાં આમ ખોવાઈ જશું, આમ બધું ભુલી જઈશું, બસ ખાલી એ સામે તો આવે, એના ચાર હાથ, અષ્ટભુજા અને અસ્ત્રશસ્ત્ર લઈને, તો માનીએ કે પ્રભુ આવ્યા. શું પ્રભુ આટલા વિચિત્ર લાગે છે? પ્રભુ જ્યારે સહ શરીર આપણી સામે આવ્યા, રોજ આપણી સાથે રમ્યા, વાતો કરી, ત્યારે આપણે ભ્રમમાં રહ્યા કે એ આપણને પ્રભુ પાસે લઈ જશે. જ્યારે સાક્ષાત્ આપણી સમક્ષ હતા, ત્યારે કેમ ભાન ન ભૂલ્યા, કેમ ન ખોવાઈ ગયા, કેમ આપણે પ્રેમમાં લીન ન થઈ ગયા? કેમ ત્યારે માંગણીઓ જ કરી - મારો ધંધો સારો ચાલે, મારા પરિવારમાં સુખ રહે, મારી પાસે ખૂબ ધન આવે, મને પદ મળે, મને બળ મળે, મને પ્રખ્યાતિ મળે. કોઈએ એ ન માંગ્યું કે તમારી સાથે લઈ જાવ, તમારા જેવા બનાવો, તમારામાં એક કરો? પ્રભુ તો એ જ આપે છે, જે આપણે માંગીએ છીએ. આપણી ઇચ્છા વિરુદ્ધ એ કાંઈ આપી શકતો નથી. આપવા બેઠો છે એ તો ભરપૂર પણ આપણે ખાલી ને ખાલી રહી જઈએ છીએ. કોઈ ને એ તકલીફ નથી કે કાકા આપણી સાથે સહ શરીર નથી, એમ માનીયે છીએ કે આપણી સાથે એ સતત ને સતત છે. પણ આ તો મન મનાવાની વાત છે. શું સાચે જ આપણે કાકાને મહેસૂસ કરીએ છીએ? શું સાચેજ લાગે છે કે આપણું ધ્યાન એ સતત રાખે છે? તો પછી આપણે સુખચેનમાં જીવન વ્યતીત કરશું. આપણને કોઈ પ્રશ્ન નહીં હોય કે હવે શુ કરું. એજ વિશ્વાસ હશે કે એજ કરે છે, એ કરાવશે અને એ સાચો જ માર્ગ બતાડશે. વિશ્વાસમાં હજી આપણે કાચા છીએ, ગાંડપણમાં માહેર છીએ - પછી આપણી ઇચ્છા પ્રમાણે ચાલીને કહીશું કે આ કાકાએ કરાવ્યું. આ તો શિશુપાલ જેવી વાત છે જે પોતાને કૃષ્ણ સમજે છે પણ હકીકતમાં એ કૃષ્ણ સુધી પહોંચ્યો જ નથી. જ્યારે આપણે આ કાલ્પનિક જીવનથી બહાર આવશું, દિલથી કાકા ને યાદ કરશું, એમની ભગવાનનો સંદેશવાહક (messenger of god) કરતા, સ્વયં પ્રભુ ગણશું, ત્યાંરે જ આપણે એમના ચિંધેલા રસ્તે ચાલી શકશું. ત્યાં સુધી ખાલી ભ્રમમાં જીવશું, ઇચ્છાઓ પાછળ ભાગશું અને પ્રભુના પ્રેમનો ઢોંગ કરશું.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.