જે પુરાણની વાત મેં લખી અને દુનિયાને સમજાવી એ પ્રાચિન સમયની વાત છે. આ વાતો લોકોના મુખથી આ સમયમાં આવી છે. પણ મુખ મુખના અલગ અલગ અભિપ્રાયથી એ વાતોનો સાર ખોવાઈ ગયો છે. હર એક માનવે એના મનની અવસ્થા પ્રમાણે એને સમજ્યું છે અને એને બોલ્યું છે. ભાષા બદલાઈ, મુલકો બન્યા, ગ્રંથો લખાયા, વેદો ભુલાયા, યુગો વિત્યા પણ મારા સત્યનો સાર તો એ જ છે. કોને કહું એજ તો તકલીફ છે. જે મારામાં એક થઈ જાય છે, એને જરૂર નથી. જે મારી પાસે
નથી, એને પણ તો જરૂર નથી. જે સાધક છે તેને એ સમજાતું નથી અને જે લોભી છે એને તો કાંઈ મળતું નથી. વૈરાગ્ય, ઉદાસીનતાની (indifference) લકીર સમજાતી નથી. કોમળતા, શિતળતાની લકીર સમજાતી નથી. વેદોનો સાર અમૂલ્ય છે. મારી સુત્રની ધાર તો પવિત્ર છે. અનેકોને મેં સમજાવી, અનેકોને મેં આપી. એનાથી મેં મારા ગીત લખ્યા છે. જે સમજે છે, એને અંતરમાં ઉતારે છે. એ તો મને પામે છે. જે નથી સમજતા, એ કોશિશ તો કરે છે.
જે સાર સમજાય છે, એ તો ખાલી બે જ અક્ષર છે. સોહમ્- હું જ તો બધે છું. પછી કોઈ મને ગોતે છે કે ભગવાન કોણ છે તો કોઈ પોતાને જ ગોતે છે કે હું કોણ છું? એ ત્યાંજ પહોંચે છે- સોહમ્ (હું જ બધે છું). પછી એ અંતરિક્ષની સૈર કરે છે, કે અંતરના ઉંડાણમાં રમે છે, બધું જ તો છે સોહમ્. એકરૂપતા આને કહેવાઈય, સરલતા આને કહેવાય, ઇચ્છાઓની તૃપ્તિ આને કહેવાય, વફાદારીની મુર્તિ આને કહેવાય- સોહમ્.
નુકસાન નથી આમાં કોઈનું. ખોવાતું નથી આમાં કોઈનું. આત્મા જ્યારે પરમાત્મા બને છે, ત્યારે તો એ શિવને સમજે છે. ત્યાં સુધી શિવને સમજવાનો પ્રયત્ન કરે છે. મોક્ષની ઇચ્છા પણ તો આખર એક ઇચ્છા છે, આ ઝંઝાળમાંથી મુક્ત થવાની એક લાલસા છે. પણ પ્રભુને સમજવા, એને પામવા તો આપણું કર્તવ્ય છે, આપણી ફર્જ છે. જીવનનો આ સાર જે અંતરમાં ઉતારે છે, તે જ તો આગળ નીકળી શકે છે. ત્યાં સુધી એ ખાલી ભરમાતો રહે છે, કાંઈ પણ કરે છે, ખાલી જીવન વ્યતીત કરે છે.
પ્રભુને બધું સોંપવું અને એના ઈશારે ચાલવું. તેનો આ અર્થ નથી કે પાંગલા બનવું, હાથપગ હલાવવા નહીં, સર્વ પ્રથમ એના કાર્ય કરવા માટે તત્પર રહેવું અને એ જ કરવું જે એ કરાવે. એવું સમજવું, એવું માનવું, અને એવું ચાલવું. લોકો એ ભૂલ કરતા હોય છે કે જ્યારે કોઈ કાર્ય એમનાથી થતું નથી, ત્યારે થાકીને કહી દે છે કે પ્રભુ હવે તું કર. આ સમર્પણ નથી. આ તો થાકેલા માનવીની ઇચ્છા પૂરી કરવાની એક યોજના છે. ત્યારે કાંઈ પ્રભુ કરતો નથી અને આપણે વધારે દુઃખી થઈએ છીએ કે પ્રભુ કેમ સાંભળતો નથી. હવે તો મેં બધું એના ઇશારે છોડ્યું. ત્યારે પ્રભુ નથી સાંભળતો, એ હકીકત છે કારણ કે તારી મનની અવસ્થા બરોબર નથી. જ્યારે એ વિશ્વાસથી પ્રભુને સોંપવામાં આવે છે કે જે પ્રભુ કરશે તે બરોબર કરશે, ત્યારે જ એવું થાય છે જે દિવ્ય હોય છે, અનુમાનથી આગલ હોય છે, આપણા હિતમાં હોય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.