કોઈ લોકો લાંબા આયુષ્યની કલ્પના કરે છે તો કોઈ લોકો સુખ સગવડ ચાહે છે. કોઈ જીવનમાં સારા આરોગ્યની કલ્પના કરે છે. પણ આ બધું તો શરીરના ભોગની તૈયારી છે. આત્મા માટે શું કર્યું? એક દિવસ તો બધાને જવાનું છે. એક દિવસ તો આ શરીર છૂટવાનો છે. પછી શું? પાછું બીજું એક નવું શરીર મળશે કે પછી એક અર્દશ્ય જીવ થઈને આપણે ભમ્યા કરશું જેને કહીએ છીએ ભૂત, કે પછી આપણે કયામતના ઈંતેજારમાં રહીશું? જ્યાં પણ હશું, આપણે આરામમાં તો નહીં જ હશું કારણ હજી આપણી અવસ્થામાં સ્થિરતા નહીં હોય. કયાંય ને કયાંય આપણે અતૃપ્ત હશું. એટલા જ માટે આપણે ફરી એક મૌકાની તલાશમાં હશું કે પાછા આવીએ, બધું ભુંસીને બધું નવા સરખું કરીએ. પણ આવું થાતું નથી. પાછા અવાતું નથી. સમયનું ચક્ર પાછું ફરતું નથી એટલે જ ઇચ્છા કરીએ તો એવી કરીએ કે આ જીવનમાં પ્રભુને પામીએ. પછી શું ફરક પડે છે કે આપણે અમીર છીએ કે ગરીબ, શું ફરક પડે છે કે આયુષ્યમાં આરોગ્ય છે કે નહીં. હર વખતે આપણે માંગણીઓ ખોટી કરીએ છીએ, હર વખતે આપણે ઇચ્છા ખોટી કરીએ છીએ. સાચી ઇચ્છા અને સાચી માંગણી કરીએ છે ત્યારે કાંઈ તકલીફ નથી આવતી, કોઈ ફરિયાદ હોતી નથી, કોઈ દુઃખ નથી થાતું. આપોઆપ લોકોની વચ્ચે હોવા છતાં આપણે આપણામાં ખુશ છીએ, આપણે આપણામાં મસ્ત છીએ, આપણે આપણાજ મિત્ર છીએ. એટલા માટે જ્યારે પણ પ્રભુને કોઈ માંગણી કરીએ ત્યારે કોઈ ફરિયાદ ન કરશો. એમ ના કહેજો કે મારી તકલીફ દૂર થાય, પણ એમ કહેજો કે તારે જે શિખવાડવું છે એ શિખવાડીને તારા તરફ આગળ વધાર. આજ સાચી પ્રાર્થના છે. આજ સાચા મનની યાચના છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.