પ્રેમની પરિભાષા શિવ-શક્તિના મિલનથી સમજાય છે. અંતરની ઓળખાણ શિવ-શક્તિના મિલનથી જ મળે છે. શિવ અને શક્તિ કાંઈ અલગ નથી. શિવ અને શક્તિમાં કોઈ ભેદ નથી. શિવ જડ નથી, શક્તિ સાથે એ ચૈતન છે. શક્તિ કાંઈ દિશાહીન નથી, શિવ સાથે એ પૂર્ણ છે. શિવની પૂજા, શક્તિની પૂજા વગર સંભવ નથી અને શક્તિની આરાધના શિવ વગર અધૂરી છે. શિવ પરબ્રહ્મ બ્રહ્માંડ છે તો શક્તિ પરબ્રહ્મની રચયિતા છે. શિવ અનંત છે તો શક્તિ અનાદી, અલૌકિક, કાળથી પરે છે. શિવમાં શક્તિ નથી સમાતી અને શક્તિમાં શિવ નથી સમાતા. તે મિશ્રિત
છે, અલગ છે જ નહિ. અર્ધનારેશ્વર તરીકે એ પૂજાય છે, પણ એવો કોઈ ભાગ નથી જ્યાં અલગતા છે - કોઈ શાંતિ નથી, કોઈ રુદ્ર નથી, કોઈ કાળી નથી,કોઈ મહાદેવ નથી, ખાલી આધ્યાશક્તિ છે. શિવ-શક્તિ પોતે આધ્યાશક્તિ છે. અંતર આપણા મનમાં છે પણ હકીકત તો એ જ છે કે શિવ-શક્તિ પૂર્ણતાનું પ્રતીક છે. શિવ ક્યારેય શક્તિથી અલગ થઈ જ નથી શકતા અને શક્તિ શિવ વગર રહી જ નથી શકતી. સતીનું દેહ છોડવું અની શિવનું રુદન સંભવ જ નથી. શિવને વિયોગ સંભવ જ નથી. પાર્વતીનો જન્મ અને શિવ સાથેનું મિલન એક કહાની છે. હકીકત તો એ જ છે કે શિવ-શક્તિ અલગ છે જ નહીં. શિવ અને શક્તિ અલગ હોય તો આ સૃષ્ટિ રહી જ ન શકે, આ લીલા સંભવ જ નથી. માયાના ખેલ પણ શિવ-શક્તિની લીલાથી ઉત્પન્ન થાય છે અને પ્રેમની લીલા પણ શિવ-શક્તિના બ્રહ્માંડીય (cosmic) લીલાથી જાગૃત થાય છે. પાર્વતી અને શિવ અલગ અલગ નથી. એ ક્યારે અલગ થયા જ નથી. શક્તિ શરીર છોડે છે, તો શિવના શરીરમાં સમાઈ જાય છે. પાર્વતીનો જન્મ, એ શિવ-શક્તિ નવો જન્મ છે અને શિવ સાથે પાર્વતીના વિવાહ એ ફક્ત અમર તત્ત્વમાં બાંધવાની વાત છે. શિવ, એ પણ પૂર્ણ છે, કારણ શક્તિ અંદર જ છે અને પાર્વતી, એ પણ પૂર્ણ છે કારણ કે શિવ સાથે જ છે. આપણી દ્રષ્ટિથી અલગ છે પણ શિવ-શક્તિના દ્રષ્ટિથી અલગ નથી. અમરનાથમાં શિવ-શક્તિની લીલા થઈ છે, આ સૃષ્ટિને માર્ગ બતાવાની વાતો છે. શિવ-શક્તિને કાંઈ સમજાવવાનું હોતું નથી, કોઈ એમનાથી ઉપર નથી. એ જ સૃષ્ટિના રચયિતા છે. એ જ સૃષ્ટિના વિધાતા છે, એ જ હર જીવના સર્જનહાર, પાલનહાર અને માર્ગદર્શનહાર છે. હર એક દેવી, દેવતા, પ્રાણી, અસુર, દાનવ, અપાર્થિવ (astral) જીવ બધા શિવ-શક્તિને આધીન છે. જે એમણે અલગ સમજે છે, તે બહુ મોટી ભૂલ કરે છે અને જે એમને એક જ માને છે, તે બધું પામે છે. સિદ્ધિ પાછળ જે ભાગે છે, શિવ પાછળ જે ભાગે છે, એ અપૂર્ણ રહી જાય છે. જે શિવ-શક્તિ એટલે કે આધ્યાશક્તિની આરાધના કરે છે તે જ પૂર્ણતા તરફ જાય છે. આ શિવ-શક્તિના ખેલ નિરાળા છે, અદભુત છે અને અનમોલ છે.
જય શિવ-શક્તિ, જય આધ્યાશક્તિ, જય પૂર્ણભક્તિ.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.