અસીમ કૃપાનો હું વારસદાર છું, એમની કથાનો એક કલાકાર છું;
જીવનમાં એમનું કહ્યું કરું છું, એમના દેખાડેલા માર્ગે ચાલું છું.
ઉમ્મીદમાં એમની જીવું છું, પ્રભુની મુલાકાત તો રોજ કરું છું;
શાંતિનો અનુભવ કરું છું, મારામાં એમને જોઉં છું.
શું અલગ છે એની ખબર નથી, શું મૃદંગ છે, એની તલાશ નથી;
જ્યાં એ મારામાં છે, હું એમનામાં છું, પછી કોઈ ફરક નથી.
નાશ ન થાય આ એકતા આપણી, એવા આશિષની કૃપા મેળવું છું;
અદ્રષ્ય નથી એ મારા માટે, મારી અંદર એમનો અનુભવ કરું છું.
દુવિધાથી પરે, ઈર્ષ્યાથી ઉપર, એમની મંઝિલમાં હું રમું છું;
સુખ-સુવિધાના તરંગમાં હું તો ઝૂમું છું, એમના અહેસાસમાં બધું ભૂલું છું.
ગુણ-ગાન એમના ગાઉં છું, એમના આશિષ સદૈવ પામું છું;
અમીરસથી એમને નવડાવું છું, દુનિયાના શોરથી તો દૂર ભાગું છું.
જ્યાં જોઉં ત્યાં એમને પામું છું, જ્યાં જોઉં ત્યાં એમને નીરખું છું;
અદ્રશ્ય થઈને પણ એમની સાથે ઝૂમું છું, એમનામાં મને ભૂલું છું.
વિશ્વાસમાં એમનો સાથ પામું છું, એમને તો હું મારા ગણું છું;
દિવ્ય આનંદનો અનુભવ કરું છું, એમને તો હું શુભચિંતક ગણું છું.
મારા ‘મ’ને હું ભૂલું છું, તારા ‘ત’થી જોડું છું, એક નવું રૂપ ધારણ કરું છું;
એનામાં સમાઉં છું, એનામાં સમાઉં છું, એનામાં ખોવાઉં છું.
- ડો. હીરા